17 વર્ષની ઉંમરથી 70 વર્ષ સુધીની નરેન્દ્ર મોદીની જાહેર જીવનની સફર

0
30

લોકસભા 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો છે. 17 વર્ષની ઉંમરે વડનગર છોડીને અમદાવાદ આવેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે 70 વર્ષની ઉંમરે ચાર વખત મુખ્યમંત્રી એટલે કે તેર વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યા બાદ સતત બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી સાડા અઢાર વર્ષ સુધી સીએમથી પીએમની સફર કર્યા બાદ હવે વધુ પાંચ વર્ષ માટે પીએમ પદ સંભાળી રહ્યા છે. તે જોતા નરેન્દ્ર મોદીની 52 વર્ષની સંગઠન અને સત્તાની સફરમાં પીએમ પદના આગામી પાંચ વર્ષની ટર્મ સાથે કુલ 23 વર્ષ સત્તાના સુત્રો સંભાળશે. જ્યારે 29 વર્ષ સુધી સંગઠન સંભાળ્યું છે.

1967માં અમદાવાદ આવેલા નરેન્દ્ર મોદી સંઘની શાખામાં જોડાઈને સામાજિક જીવન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના બાદ ભાજપમાં જોડાયેલા નરેન્દ્ર મોદીએ 1984માં પ્રથમ વખત પ્રદેશ સંગઠનનું મંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી 1987માં તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા હતા. આ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમને ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌપ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપ સંગઠનની સાથે ચૂંટણી સંચાલનમાં માહેર બનેલા નરેન્દ્ર મોદીને 1990માં વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદેશ મહામંત્રીની સાથે ચૂંટણીની જવાબદારી પણ સંભાળી આ ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો પર વિજય મેળવ્યો અને જનતાદળ સાથે ગઠબંધન કરીને ભાજપ ગુજરાતમાં સત્તામાં પ્રથમવાર સત્તામાં ભાગીદાર બન્યો.

1988થી 1995 દરમિયાન, નરેન્દ્ર મોદીની એક કુશળ રણનીતિકારના રૂપમાં ઓળખ ઊભી થઈ. આ દરમિયાન, મોદીને બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપાઈ. જેમાં તેઓ 1990માં યોજાયેલી લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા સારથી બન્યા અને ત્યારબાદ 1991 કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રામાં ડૉ.મુરલી મનોહર જોશી સાથે મળીને કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો.

ત્યાર બાદ 1995માં તેઓને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓને ભારતના પાંચ મહત્વનાં રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1998માં તેમને મહાસચિવ(સંગઠન)ના પદ ઉપર બઢતી આપવામાં આવી હતી.

પરંતુ સંગઠનમાં પક્ષને વિવિધ ચૂંટણીઓમાં વિજય અપાવ્યા બાદ ઑક્ટોબર 2૦૦1માં મોદીને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી.પરંતુ અત્યાર સુધી સંગઠનની જવાબદારી સંભાળવા દરમિયાન પક્ષના ઉમેદવારોને ચૂંટણી જીતાવવા માટે રણનીતિ ઘડનારા મોદીએ હવે પેટાચૂંટણી જંગમાં ઉતરવાનું હતું. મોદી માટે હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ-2ની બેઠક ખાલી કરી અને તેઓ ફેબ્રુઆરી 2002માં અહીંથી પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યાં. આ પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો 14 હજાર મતે વિજય થયો. પહેલી પેટાચૂંટણી લડ્યાના 10 મહિના બાદ ડિસેમ્બર 2૦૦2માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 128 સીટ પર વિજય મેળવ્યો અને 22 ડિસેમ્બર 2002ના રોજ મોદી ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 116 બેઠકો પર જીત મેળવી અને મોદી સતત ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો મેળવી અને મોદી ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

2012માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ 2013ની 13 સપ્ટેમ્બરના રોજ મોદીને લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાં અને તેઓ વડોદરા તથા વારાણસી બેઠક પરથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જંગી બહુમતીથી વિજયી બન્યા. તેમના નેતૃત્વમાં યોજાયેલી આ લોકસભા ચૂંટણી ભાજપે સ્થાપના બાદ પહેલીવાર એકલે હાથે સંપૂર્ણ બહુમતી મેળવી અને 26 મે 2014ના રોજ મોદી વડાપ્રધાન બન્યા. જ્યારે તાજેતરમાં યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસીથી લોકસભા લડી જંગી લીડથી જીત્યા. જ્યારે ભાજપે મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ લોકસભા ચૂંટણીમાં પણ ઈતિહાસ સર્જીને પહેલીવાર 303 બેઠકો મેળવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here